પિતાએ કાળી મજૂરી કરી દિકરાને ભણાવ્યો અને દિકરો બન્યો “જજ”
પિતા… આપણા જીવનનું એક એવું પાત્ર કે, કદાચ આપણે એને સમજવાનું જ ભૂલી ગયા. સાહિત્યમાં પણ માં વિશે ઘણુબધુ લખાયું છે, ઘણુબધુ ગવાયું છે પણ પિતા વિશેના 2-3 ગીતો કે કવિતાઓ માંડ મળશે.
બડે હી ઠઁડ કમરો સે, હુકુમત મેં ચલાતા હું
એક બુઠે બાપને મેરે લીયે બહુત પસીના બહાયા હે…
આવા જ એક પિતાની વાત કરવી છે કે, જેણે જીવનની કપરી પરિસ્થિતિઓનો દ્રઢતાપૂર્વક સામનો કરીને પોતાના દિકરાને ભણાવ્યો અને જજ બનાવ્યો. આ પિતાનું નામ છે હરનેક સિંહ. આ વ્યક્તિના પુત્રની પસંદગી સિવિલ સર્વિસમાં થઈ છે. આ પરિવારને જીવનના દરેક તબક્કે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. પરંતુ કહેવાય છે કે, હિરો ઘસાય ત્યારે જ તેમાં ચમક આવે છે. એવી જ રીતે ખૂબ જ કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને આ પિતાએ પોતાના પુત્રને ભણાવ્યો અને પુત્રએ પણ પિતાની પરિસ્થિતિને, તેમણે કરેલી મજૂરીની મહત્તાને સમજીને એક અદ્ભૂત સફળતા મેળવી છે અને આખા ગામનું નામ રોશન કર્યું છે.
કુલદિપ કહે છે કે, હું શાળામાં ધોરણ 8 સુધી ભણ્યો અને બાદમાં પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે 12 ધોરણ સુધી પિતાની સાથે મજૂરી કરીને ઘરે બેસીને જ અભ્યાસ કર્યો. કુલદિપે જણાવ્યું કે, હું પંજાબના ફરીદકોટના કોટકપૂરાના એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને જ્યારે મારી પસંદગી થઈ ત્યારે મારા પિતા મિસ્ત્રી કામે ગયા હતા.
કુલદિપને ત્રણ ભાઈ અને બે બહેન છે. પરિવારમાં પ્રથમવાર કોઈને સરકારી નોકરી મળી છે અને એપણ સીધી જ એક જજ તરીકે. કુલદિપને મળેલી અપાર સફળતા બાદ ગામમાં ફૂલ-હારથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કુલદિપે કહ્યું હું, હંમેશા એક એવરેજ સ્ટૂડન્ટ રહ્યો છું પરંતુ મેં ત્રીજા પ્રયાસમાં મારા પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
મને પુસ્તકો વાંચવાનો શોખ છે અને આજે હું સફળ થયો છું તેનું સંપૂર્ણ શ્રેય મારા પરિવાર તથા મિત્રો અને શિક્ષકોને જાય છે.