ગણેશજીનું એક એવું મંદિર જ્યાં મૂર્તિની સ્થાપના સ્વયં ભગવાન વિઘ્નહર્તાએ કરી છે
વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો નાશ પામે છે. જે લોકો સાચા મનથી ભગવાન ગણેશજીનું પૂજન કરે છે, તેમને દરેક કાર્યમાં સફળતા મળે છે. દેશભરમાં ભગવાન ગણેશજીના ઘણા મંદિરો છે. માન્યતા છે કે, જે વ્યક્તિ ચિંતામન મંદિરોના દર્શન કરે છે તેમની કામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ મંદિરો સાથે જોડાયેલી કથા અનુસાર તેની સ્થાપના સ્વયં ભગવાન ગણેશે કરી હતી.
ચિંતામન ગણેશ મંદિર ભારતના સિહોર (ભોપાલ), ઉજ્જૈન, ગુજરાત અને રણથંભોરમાં સ્થિત છે. આ મંદિરોની સ્થાપના સાથે ઘણી કથાઓ જોડાયેલી છે. કેટલાક લોકોનું માનવું છે કે, આ ગણેશ મંદિરોની સ્થાપના સ્વયં ગણેશજીએ કરી હતી. જ્યારે કેટલાક લોકો કહે છે કે, કોઈ ભક્તના સ્વપ્નમાં આવીને તેમણે મંદિર સ્થાપવા માટે વાત કહી હતી. આજે અમે આપને ભોપાલ સ્થિત ચિંતામન મંદિર સાથે જોડાયેલી કથા જણાવીશું. કહેવામાં આવે છે કે, રાજા વિક્રમાદિત્યએ આ મંદિરો બનાવ્યા હતા.
ભોપાલના સિહરોમાં સ્થિત ચિંતામન ગણેશ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર આ મંદિરની સ્થાપના વિક્રમાદિત્યએ કરી હતી. જ્યારે મંદિરમાં રાખવામાં આવેલી ગણેશજીની મૂર્તી સ્વયં ગણેશજીએ સ્થાપિત કરી હતી. રાજા વિક્રમાદિત્યને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં ગણેશજીએ તેમને કહ્યું હતું કે, પાર્વતી નદીના તટ પર પુષ્પ રૂપમાં મારી મૂર્તિ ઉપસ્થિત છે. આ મૂર્તિને સ્થાપિત કરો. સ્વપ્ન આવ્યાના તુરંત બાદ રાજા વિક્રમાદિત્ય મૂર્તિની શોધ માટે નિકળ્યા. સ્વપ્નમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજી દ્વારા બતાવવામાં આવેલી જગ્યા પર પહોંચીને વિક્રમાદિત્યએ પુષ્પની શોધ કરી.
વિક્રમાદિત્યને નદીના તટ પર પુષ્પ મળી ગયું. જેને તેઓ ઉઠાવીને પોતાના રાજ્યમાં જવા રવાના થયા પણ રસ્તામાં જ અંધારું થઈ ગયું અને પૂષ્પ ત્યાં જ પડી ગયું. જે જગ્યા પર આ ફૂલ પડ્યું ત્યાં શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત થઈ ગઈ. રાજાએ આ મૂર્તિને નિકાળવાના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ આ મૂર્તિ ન નિકળી. ત્યારે રાજાએ વિચાર્યું કે, આ જ જગ્યા પર મંદિર નિર્માણ કરાવી દઉં. રાજાએ ત્યાં ભવ્ય મંદિર બનાવી દિધું. ત્યારથી જ આ મંદિર ચિંતામન મંદિરના નામે ઓળખાવા લાગ્યું.
દર બુધવારના રોજ આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. દૂર-દૂરથી લોકો આ મંદિરમાં આવીને ભગવાન વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરે છે અને તેમને ભોગ લગાવે છે. માનવામાં આવે છે કે, અહીંયા આવીને ગણેશજીનું પૂજન કરવાથી દુઃખોનો નાશ થાય છે અને જીવન ખુશીઓથી ભરપુર બને છે.