ભારતે દેખાડી દરિયાદીલીઃ ભૂલથી ભારતમાં આવી ગયેલા પાકિસ્તાની બાળકને માદરે વતન પર મોકલ્યો
ભારતે કોરોનાથી બચવા માટે પાકિસ્તાનને કોરોના વેક્સિન આપીને વિશ્વ આખાને જણાવી દિધું છે કે, જોઈ લો સાચુ કોણ છે તમે જ નક્કી કરી લો. એ લોકો બોર્ડર પારથી આતંકવાદીઓ મોકલે છે અને અમે તેમના નાગરિકો મહામારીમાંથી બચી શકે એટલા માટે કોરોના વેક્સિન મોકલીએ છીએ.
ત્યારે ફરીથી એકવાર ભારતે સાબિત કરી દિધું છે કે, અમે દુશ્મનાવટ નથી ઈચ્છતા અમે માનવતામાં માનનારા લોકો છીએ. હકીકતમાં ભારત પાકિસ્તાનની સરહદ પર બાડમેરમાં એક 8 વર્ષીય પાકિસ્તાની છોકરો આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને ભારતમાં ભૂલથી પ્રવેશી ગયો હતો. ભારતીય સેનાના ચીફ કમાન્ડરે પાકિસ્તાની રેન્જર્સ સાથે એક ફ્લેગ મિટિંગ બોલાવી અને બાળક સીમા પાર કરીને આવી ગયો હોવાની જાણકારી આપી હતી અને બાદમાં આ બાળકને પાછો પાકિસ્તાની રેન્જર્સને સોંપી દેવામાં આવ્યો હતો.
BSF ગુજરાત ફ્રન્ટિયરમાં ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ એમએલ ગર્ગે તેની પુષ્ટી કરી છે. ગર્ગે જણાવ્યું કે, આ બાળક શુક્રવારે આશરે 5:20 વાગ્યે ભૂલથી ભારતીય સીમમાં પ્રવેશી ગયો હતો.
બાળકને જ્યારે ભારતીય સેના દ્વારા પકડવામાં આવ્યો ત્યારે તે ડરી ગયો હતો અને રડવા લાગ્યો હતો. બાળકને શાંત પાડવા માટે ભારતીય સૈન્યના જવાનોએ ચોકલેટ પણ આપી. BSF અનુસાર બાળકની ઓળખ પાકિસ્તાનના નગર પારકરના રહેવાસી યમનૂ ખાનના પુત્ર કરીમના રૂપમાં થઈ હતી.
સૈન્યની દિલદારી અને માનવતાવાદી વલણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા જ લોકો ભારતીય સૈન્યના જવાનોના ખોબલે ને ખોબલે વખાણ કરી રહ્યા છે. કારણ કે સામાન્ય રીતે પાકિસ્તાનમાં કોઈ ભારતીય નાગરિક આ રીતે ભૂલથી બોર્ડર પાર કરીને જતો રહે તો પાકિસ્તાન ક્યારેય તેને મુક્ત કરતું નથી પરંતુ તેને જાસૂસ ગણાવીને પાકિસ્તાનમાં તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરરવામાં આવે છે.
ભારતે પાકિસ્તાની બાળકને માદરે વતન પાછો મોકલીને વિશ્વ આખાને એક મેસેજ આપ્યો છે. જો કે, આમ જોવા જઈએ તો, વિશ્વ આખું જાણે છે કે, પાકિસ્તાન એક મેલી મુરાદ ધરાવતો દેશ. ભારત અને પાકિસ્તાનમાં ભારત હંમેશા સત્ય, માનવતા, શાંતિ અને ભાઈચારાની પડખે ઉભું છે તે આખા વિશ્વના તમામ દેશો જાણે છે.