Religious

શ્રી વિષ્ણુનાં અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામનાં જીવનની લીલાઓ વિશે જાણીએ.

ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ એ  જમદગ્નિ ઋષિ રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી. ચાલો ત્યારે આજે તેમના પ્રાગટય દિવસ જાણીએ કે, શા માટે તેમણે પૃથ્વીને  નિ:ક્ષત્રિય કરી.

હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડયા. તેણે ઋષિની કામધેનુ ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યો.

પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.

સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.

માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!