સંઘર્ષ આને કહેવાય,સાઈકલમાં પંચર કરનાર વ્યક્તિ છે અત્યારે ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO)
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ કહેવત પોતાના જીવન સંઘર્ષ દ્વારા ખરી સાબિત કરી દીધી છે વરુણકુમાર બર્નવાલે.હા, મહારાષ્ટ્રના પાલઘર તાબેના બોયસર ગામના વરુણકુમારે અભાવો વચ્ચે પણ કઠોર પરિશ્રમ દ્વારા ઉચ્ચ કારકિર્દીના અરમાનો કેમ પુરા કરવા તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વરુણના પિતા સાઈકલના પંચરની નાની દુકાન ચલાવતા. માતા અભણ ગૃહિણી. ઘરમાં પાંચ ભાઈ-બહેનોમાં વરુણ સૌથી મોટો.
એક બહેનના લગ્ન થઈ ગયા અને એક બહેન ટ્યુશન કરી ઘરમાં મદદરૂપ થાય. 2006ની સાલ હતી. વરુણ ધોરણ-10 માં હતો. 21મી માર્ચે પરીક્ષા પુરી થઈ અને 24મી માર્ચે તેના પિતાનું હાર્ટએટેકથી દુઃખદ અવસાન થયું. કુટુંબ ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં વરુણની પણ જિંદગીની કપરી પરીક્ષા જાણે કે શરૂ થઈ. વરુણ સૌથી મોટો હોઈ ઘર ચલાવવાની જવાબદારી તેના ઉપર આવી પડી. બારમું-તેરમું વગેરે વિધિ પતાવી બીજા જ દિવસથી વરુણ પિતાની જગ્યાએ પંચરની દુકાને કામે લાગ્યો.
દોઢ-બે મહિના થયા ત્યાં ધોરણ-10નું રિઝલ્ટ આવ્યું, જેમાં 89% સાથે વરુણ સમગ્ર સ્કૂલમાં પ્રથમ અને ગામમાં દ્વિતીય નંબરે પાસ થયો.પણ શું કામનું..! કુટુંબની જવાબદારીને લીધે આગળ અભ્યાસ તો કરવાનો નહોતો. સગા-સંબંઘીઓ અને ગામલોકો શુભેચ્છાઓ આપી રહ્યા હતા. વરુણ રિઝલ્ટ લઈ ઘરે આવી સૂનમૂન થઈને બેસી ગયો. માતાએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે વરુણે કહ્યું કે મારે આગળ ભણવું છે. સૌ પરિવારજનો સાથે બેઠા અને સર્વાનુમતે નક્કી કર્યું કે અરુણનો આગળનો અભ્યાસ કોઈપણ ભોગે ચાલુ રાખવો. માતાએ દુકાન સંભાળી. નાની બહેને પણ ટ્યુશન કરી ઘરમાં મદદરૂપ બનવાની ખાતરી આપી. અને એમ વરુણને આગળ અભ્યાસ માટે લીલી ઝંડી મળી ગઈ. પરંતુ ખરી સમસ્યા જ હવે શરૂ થવાની હતી. તારાપુર વિદ્યાલયમાં એડમિશન ફોર્મ તો ભરી દીધું હતું પરંતુ ફી ભરવાના દસ હજાર રૂપિયા ક્યાંથી કાઢવા..?
નિરાશ વદને મા-દીકરો દુકાને બેઠા હતા ત્યાં જ દુકાન પાસેથી પિતાની સારવાર કરનારા ડૉક્ટરસાહેબ પસાર થયા. તેમણે વરુણને હાલચાલ પૂછ્યા. વરૂણે બધી પરિસ્થિતિ જણાવી. ડૉક્ટરસાહેબે તરત જ ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢી વરુણના હાથમાં મૂક્યા અને કહ્યું કે, ‘જા અત્યારે જ ફી ભરી આવ.અને એમ વરુણનો 11-12નો અભ્યાસ અને સાથે જ જીવન સંઘર્ષ પણ શરૂ થયો. સવારે 6.00 વાગ્યે ઉઠવાનું. 7.00 થી 1.00 સ્કૂલ જવાનું અને ત્યાંથી ઘરે આવી જમીને તરત 2.00 થી 9.00 ટ્યુશન કરવા જવાનું અને ત્યાંથી દુકાને જઈ 9.00 થી 10.00 દુકાનનો બધો હિસાબ અને વહીવટી પતાવી ઘરે જવાનું. ઘરે આવી જમીને તરત રાત્રે 1.00 વાગ્યા સુધી વાંચવાનું. આવું ટાઈટ સેડ્યુલ હતું વરુણનું. વરુણ પહેલાંથી જ જિજ્ઞાસુ હતો. નાનપણથી જ તે શિક્ષકોને પ્રશ્નો પૂછ્યે રાખતો. 11માં ધોરણમાં પણ આ સિલસિલો યથાવત રહ્યો. સ્કૂલમાં એક મેડમ હતા જે વરુણને ભાઈ માની રાખડી બાંધતા. વરુણે તેમને પોતાની આખી પરિસ્થિતિ સમજાવી. એ મેડમે આચાર્ય અને આખા સ્ટાફને વરુણની સ્થિતિ કહી સંભળાવી. પછી તો વરુણને ક્યારેય ફી ભરવી જ ન પડી. શિક્ષકો જ તેની ફી ભરી આપતા. પ્રથમ પરીક્ષામાં જ વરુણ સ્કૂલમાં ટોપર બન્યો. ધોરણ-12 પછી વરુણે પુણે જઈ એન્જીનીયરીંગ કરવાનું નક્કી કર્યું. CETની પરીક્ષા આપી જેમાં 79% આવ્યા. પૂણે જઈને રહેવા-જમવા તથા ફી ભરવા એકાદ લાખ રૂપિયા જોઈએ..!
માતાએ રોજના સો-સો રૂપિયા બચાવી 60,000 જેવી રકમ ભેગી કરેલી. બહેને પણ ટ્યુશન કરી બચાવેલા દસ-પંદર હજાર રૂપિયા આપી દીધા. વરુણ પણ ટ્યુશન કરી બચત કરતો જે કામ આવી. થોડી સાગા-સંબંઘીઓએ પણ મદદ કરી. આમ, એક લાખ રૂપિયાનો મેળ કરી વરુણ પૂના એન્જીનીયરીંગ કરવા ગયો. પછીના સત્રની ફી માટે ત્યાંના એક લેક્ચરરે મદદ કરી. તેમણે ડીન અને પ્રિન્સિપાલ સુધી વાત પહોંચાડી. પણ પછી મિત્રો જ ફી ભરી દેતા. વરુણ પૂણેમાં એન્જિનિયરીંગમાં 86% મેળવી યુનિવર્સિટી ટોપર બન્યો. પછી એન્જીનીયરીંગ સર્વિસીસની તૈયારી કરવાનું વિચાર્યું તો કેટલાક લોકોએ કહ્યું કે તો પછી સિવિલ સર્વિસીસની જ તૈયારી કરાયને…! અને વરુણે દેશની સૌથી મોટી પરીક્ષા UPSC આપવાનું નક્કી કર્યું. એન્જીનીયરીંગ પૂરું કર્યા પછી નોકરી તૈયાર હતી. એપોઇન્ટમેન્ટ ઓર્ડર ઘરે આવી ગયેલો. ઘરની આર્થિક વીક પરિસ્થિતિ મુજબ મમ્મી પણ ઈચ્છતી’તી કે વરુણ હવે કમાતો થાય. પણ વરુણે IAS બનવાનું નક્કી જ કરી લીધું હતું. “મારે હજુ એક વર્ષ ભણવું છે”
એમ કહી તેણે માતાને મનાવવા પ્રયત્ન કર્યા. સતત છ વર્ષના સંઘર્ષ થી થકી ગયેલી માતા થોડા દિવસ નારાજ રહી, પરંતુ પછી માની ગઈ અને પુત્રને મદદ કરવા લાગી. 13 જાન્યુઆરીએ આ નિર્ણય લીધો એના પછી પ્રિલીમની તૈયારી માટે ફક્ત ચાર મહિના જ બચ્યા હતા. વરુણે ઉત્તમ આયોજન કર્યું. ઓછું જરૂરી હતું તેમાં તેણે ટાઈમ ન બગાડ્યો. ખૂબ જરૂરી અને અગત્યનું હતું તે વાંચ્યું. આમ 80% અભ્યાસક્રમ પૂરો થઈ ગયો. વરુણ કહે છે કે, “તમે તમારી જાતને એક્સ્ટ્રા ઓર્ડિનરી સમજો તો તમે ધારો તે કરી શકો છો. હું મારી જાતને ક્યારેય નબળી ન ગણતો. હું મારી જાતને તીસમારખાં સમજતો હતો. ભૂષણ કાંબલે નામના મારા એક મિત્રની મદદ મળી. તેના દ્વારા ચાણક્યમંડલ કોચિંગ ક્લાસમાં એડમિશન લીધું. ત્યાં ધર્માધિકારીસરનો ખૂબ સારી સપોર્ટ મળ્યો. તેમણે મને ફ્રીમાં ભણવ્યો. મેં સરને કહ્યું કે, ‘તમે મને એડમિશન આપો, મને મારી જાત ઉપર પૂરો વિશ્વાસ છે અને હું કરી બતાવીશઅને મેં કરી બતાવ્યું.” અને વરુણે 26 મેના રોજ પ્રિલીમ આપી, પ્રથમ પ્રયત્નમાં જ પાસ કરી બતાવી. પછી તો રાજ્યશાસ્ત્ર ઓપ્સનલ વિષય લઈ મેઇન્સ આપી અને એમાં પણ પાસ થયો. અને પછી મૌખિક ઇન્ટરવ્યૂ આપી આખા દેશમાં 32માં રેન્ક સાથે 2015માં UPSC પાસ કરી. આમ સાઈકલના પંચર કરનારો એક સામાન્ય ઘરનો છોકરો આપબળે આગળ આવી IAS અધિકારી બની દેશના મીડિયામાં છવાઈ ગયો. TV અને ન્યુઝ પેપરમાં તેના ઇન્ટરવ્યૂ છપાયા. સોશિયલ મીડિયામાં તે છવાઈ ગયો. તેના સન્માન સમારંભો અને મોટીવેશનલ વ્યાખ્યાનો ગોઠવાયા. અને એમ વરૂણ માંથી એ છોકરો વરુણકુમાર IAS બન્યો.
મસૂરીની ટ્રેનીંગ પુરી થઈ અને વરુણકુમારને ગુજરાત રેન્ક ફાળવવામાં આવી. હિંમતનગર, ઝઘડીયામાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે પ્રારંભિક પ્રોબેસનલ પિરિયડની ફરજ બજાવી વરુણકુમાર હાલ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે સુંદર કામગીરી બજાવી રહ્યા છે. સાહેબ, ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ.
-ડૉ. સુનીલ જાદવ