હળાહળ કળીયુગનો પુરાવો આપતી ઘટનાઃ ફૂલ જેવી દિકરીને 60 હજાર રૂપિયામાં વેચી દિધી
કળીયુગ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે. કળીયુગ જાણે ભરડો લઈને બેઠો છે અને તેના ઉદાહરણો અવાર-નવા આપણા સમાજમાં જોવા મળતા હોય છે. એક સમય હતો કે જ્યારે આપણા સમાજમાં દિકરીઓને ઉચ્ચ સ્થાન અને સન્માન આપવામાં આવતું અને હજીપણ ઘણા પરિવારો અને સમાજમાં દિકરીને કાળજાના કટકા તરીકે ગણી તેને ઉચ્ચ સન્માન આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે દિકરીઓના સોદા કરતા ય ખચકાતા નથી.
યાત્રાધામ ચાંદોદમાં સમાજની આંખ ઉઘાડનારો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. રૂપિયાની લાલચે 15 વર્ષની સગીરાનો 60 હજારમાં સોદો કરી યુવક સાથે ફૂલહાર કરાવનાર ભેજાબાજ ત્રિપુટી સહિત સગીરા સાથે ફુલહાર કરનાર જમાઈને ઝડપી પાડી ચાંદોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિકરીના માતાપિતાનું અવસાન થયા બાદ ચાંદોદના ખંડેરાવ ફળિયામાં પાલક દાદાને ત્યાં રહેતી હતી. 15 વર્ષની નિરાધાર સગીરાનો ત્રવાડી ટેકરા વિસ્તારમાં રહેતી ચકુબેન રમેશભાઈ માછી સાથે ઘર જેવો વ્યવહાર હતો. સગીરા અવારનવાર તેમના ઘરે આવતીજતી હતી. જેથી તેમની વચ્ચે માતાપુત્રીનો સંબંધ કેળવાયો હતો. પરંતુ પ્રીતિ વિશે ચકુના મનમાં કંઈક અલગ જ તૂક્કો અને રમત ચાલી રહી હતી. રાતોરાત પૈસાદાર થવાની લાલચમાં આંધળી બની ચૂકેલી ચકુએ ચાંદોદના માધવાનંદ આશ્રમના ગેટ સામે રહેતી રેશમા જાનુદિન પઠાણ તેમજ સિસોદરા તા. નાંદોદ જી નર્મદા ખાતે રહેતા રેશમાના મામા હિદાયતભાઈ મહેબૂબભાઈ સોલંકી સાથે મળીને પુત્રી સમાન પ્રીતિનો સોદો કર્યો હતો. ચકુબેને રૂપિયા રળી લેવાનો કારસો રચ્યો હતો. આ ત્રિપુટીએ સગીર પ્રીતિને વાતોના માયાજાળમાં ફસાવી-પટાવી ફોસલાવી સારા યુવક સાથે લગ્ન કરાવી આપવાની લાલચ બતાવીહતી. સિસોદરા ગામના અલ્પેશ રમેશભાઈ વસાવા સાથે 60 હજારમાં સોદો કરી તેની સાથે 9 માર્ચના રોજ પ્રીતિના ફૂલહાર કરાવી દીધા હતા.
પીડિત દિકરીના એક કાકા પણ છે. તેના કાકા કનુભાઈ માછી વિદ્યાનગરમાં રહીને મજૂરી કામ કરે છે. 27 માર્ચના રોજ સિસોદરા ગામે રહેતા સનતભાઈ કંચનભાઈ પટેલે સગીરાના કાકાને ફોન કરીને કહ્યું હતું કે, તમારી ભત્રીજી અમારા ગામના વેરાઈ ફળીયા વિસ્તારમાં અલ્પેશ રમેશભાઈ વસાવાને ત્યાં રહે છે. આ જાણ થતા જ પ્રીતિના કાકા કનુભાઈ તેમજ પાલક દાદા, નાનો ભાઈ અને અન્ય સંબંધીઓ સિસોદરા ખાતે દોડી ગયા હતા. જ્યાં પ્રીતિનો સંપર્ક કરી હકીકત પૂછતા ચકુ ત્યાં આવી હતી. તેણે ‘અલ્પેશ સારો છોકરો છે તેને કપડાં ઘરેણાં લઈ આપશે, ખૂબ ખુશ રાખશે’ તેવું ભોળવી ફુલહાર કરાવી દીધા જણાવ્યું હતું.
સમગ્ર ઘટના સાંભળીને હેબતાઈ ગયેલા પીડિત દિકરીના કાકાએ પોતાની ભત્રીજીને ઘરે લઈ જવાની વાત કરી હતી. ત્યારે અલ્પેશ વસાવાએ પ્રીતિ સાથે ફુલહાર કરવા માટે ચકુ, રેશમા અને હિદાયતને 60 હજાર આપ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આમ આ સમગ્ર કૌભાંડનો ખ્યાલ આવી જતાં સગીરા પ્રીતિના કાકા કનુભાઈ હરગોવિંદભાઈ માછીએ ચાંદોદ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરી હતી.