8 વર્ષના બાળકે સાઈકલ ચોરીઃ પોલીસે કર્યું એવું કે લોકોનું દિલ જીતી લીધું
ચોરી કરવી એ આમ તો ખોટી વાત છે. કેટલાક ચોરો મોજશોખ માટે ચોરી કરતા હોય છે તો, ચોરી કરવી એ કેટલાક લોકો માટે મજબૂરી હોય છે. આજે એક એવી ચોરીની ઘટનાની વાત કરવી છે કે, જેમાં ચોરી કરનાર સાથે પોલીસે એવું વર્તન કર્યું કે લોકોના દિલ જીતી લીધા.
વાત કેરળની છે. અહીંયા ધોરણ 3 માં અભ્યાસ કરતા એક બાળકે પોતાના પાડોશીની સાઈકલ ચોરી લીધી. જ્યારે પોલીસે ચોરી કરનાર બાળકને સાઈકલ ચોરી કરવાનું કારણ પૂછ્યું તો, પોલીસ પણ કારણ જાણીને અવાક બની ગઈ અને બાળકને નવી સાઈકલ ગિફ્ટ કરી.
સાયકલ ચોરીની ફરિયાદ મળવા પર શોલાયુર સ્ટેશન હાઉસ ઓફિસર વિનોદ કૃષ્ણાએ 8 વર્ષના બાળકને સાઈકલ ચોરવાનું કારણ પૂછ્યું. બાળકે કહ્યું કે, હું ગરીબ પરિવારમાંથી આવું છું અને મારી નિયત સાઈકલ ચોરવાની નહોતી, હું તો માત્ર સાઈકલની એક રાઈડ લેવા ઈચ્છતો હતો. બાળકની આ સ્ટોરી સાંભળીને ઓફિસર તેને સાઈકલની દુકાને લઈ ગયા અને ત્યાંથી નવી નક્કોર સાઈકલ લઈ આપી.
સાઈકલની દુકાનના માલિક લતીફ અટ્ટાપ્પડીએ આ ઘટનાની સ્ટોરી ફેસબુક પર શેર કરી છે. તેમણે જણાવ્યું કે, શોલાયુર સ્ટેશન હાઉસ ઓફિસર વિનોદ કૃષ્ણાએ સાઈકલ ચોરનારા 8 વર્ષના બાળકની મનોસ્થિતિને સમજ્યા અને મારી દુકાન પર તેને લઈ આવ્યા અને નવી સાઈકલ લઈ આપી. મારા જીવનનો આ સૌથી શ્રેષ્ઠ, યાદગાર અને કંઈક શીખવા મળે તેવો અનુભવ છે.
જો કે, સાઈકલની દુકાનના માલિકની પણ દરિયાદીલીને દાદ દેવી પડે. આ વ્યક્તિએ સ્ટોરી જાણ્યા બાદ સાઈકલના પૈસા ન લીધા. મેં તેમની આ સારી વિચારધારાના વખાણ કર્યા અને સલામ કર્યા.