અત્યંત આધુનિક સુવિધાથી યુક્ત ગુજરાતની આ હોસ્પિટલમાં આંખોની તમામ સારવાર ફ્રીમાં કરવામાં આવે છે.
કહેવાય છેને કે, આંખ તે અમૂલ્ય રત્ન છે. રત્ન સમાન આંખનું જતન કરવું ખુબ જ જરૂરી છે. આમપણ ઉંમર જતા વ્યક્તિઓની આંખોની રોશની ઓછી થઇ જાય છે અને મુખ્યત્વે મોતિયા આવી જાય છે. ત્યારે જો તમે પણ મોતિયાની કે આંખની કોઈ અન્ય બીમારી થી પીડાય રહ્યા છો તો તેની સારવાર કરવા ગુજરાતની સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ આરએનસીમાં અવશ્ય જાવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે,આંખની એવી કોઇ સારવાર નથી કે જે વલસાડની આરએનસી હોસ્પિટલમાં ન થતી હોય. માનવતા થી મોટો કોઈ ધર્મ નથી અને માનવ સેવા એક પ્રભુ સેવાને સાર્થક કરતી આ હોસ્પિટલમાં દ્વારા અનેક લોકોને રોશની મળી છે. ચાલો અમે આપને આ હોસ્પિટલ વિષે વધુ જણાવીએ.
આ હોસ્પિટલમાં તમામ પ્રકારના અત્યાધુનિક સાધનો છે અને તેના થકી આંખની તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે. તમને વિશ્વાસ નહિ આવે કે,અહીંયા રોજના અહીં ૩૦૦થી વધુ દર્દીઓની ઓપીડી આવે છે. અને રોજના ૫૦થી ૬૦ મોતિયાના ઓપરેશનો કરવામાં આવે છે એ પણ તદ્દન ફ્રીમા. વલસાડની આરએનસી હોસ્પિટલમાં હાલ ૮ ડોક્ટરો ફૂલ ટાઇમ સર્વિસ અને ૧૨ સ્પેશ્યાલિસ્ટો વિઝીટીંગ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. જેમના થકી અહીં રોજ મોતિયા સિવાય ઝામર, ક્રોનિયા ટ્રાન્સપ્લાન્ટ, આંખના પડદાના વિવિધ પ્રકારના ઓપરેશનો થઇ રહ્યા છે. અનેક નિષ્ણાત ડોકટરો અહીં પોતાની ફરજ બજાવીને સેવાનું કાર્ય કરી રહ્યા છે.
માનવતા રૂપી સેવાની ફરજ બજાવવા માટે આ હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક સારવાર તમામ દર્દીઓને વિના મુલ્યે કોઇ પણ ભેદભાવ વિના છેલ્લા ૧૦૦ વર્ષથી આપવામાં આવી રહી છે. આ કાર્યમાં અનેક લોકોનો ફાળો છે. માત્રને માત્ર નિસ્વાર્થ ભાવે લોકોના કલ્યાણ માટે લાકડાનો વેપાર કરતા વલસાડના પારસી શ્રેષ્ઠી દાદાભાઇ રતનજી ચાવશાળેવાલાને કર્ણાટકમાં આંખની હોસ્પિટલ ખોલવાનો વિચાર આવ્યો હતો.આજે આ વિચાર થકી અનેક લોકોનું જીવન ઉજ્જવળ બન્યું છે.
ડો. અસાનાએ તેમને આ હોસ્પિટલ વલસાડમાં ખોલવાનું સુચન કર્યું અને બંને પારસીઓ વલસાડ આવ્યા અને ૧૯૧૯માં વલસાડમાં વી. પી. રોડ સ્થિત અંબામાતા મંદિરની બાજુમાં હોસ્પિટલ શરુ કરી હતી. ત્યારે આ હોસ્પિટલમાં ડો. પરાગજી દેસાઇ પોતાની ધમધોકાર પ્રેક્ટિસ છોડી જોડાયા હતા. ત્યારથી આ હોસ્પિટલ શરુ થઇ હતી. ત્યારબાદ હોસ્પિટલ આઝાદ ચોક પર અને પછી હાલના કલ્યાણબાગ સામેના સ્થળે બની હતી. કહેવાય છે ને કે, એક ઈંટ તમે મૂકી તો જુઓ પછી ઉપર વાળો તમારી મહેનત જોઈને સદકાર્યમાં અંનત ગણું ફળ આપશે. આ હોસ્પિટલ શરૂ થઇ ત્યારે માત્ર ૪ બેડની હોસ્પિટલ હાલ ૪૦ બેડની બની ગઇ છે અને અત્યાધુનિક બની ગઇ છે.
માત્ર ગુજરાત જ નહી, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આંખની સારવાર માટે આવે છે. વલસાડના અનેક પરિવારો પોતાની વસિયતમાં આરએનસી હોસ્પિટલને દાન આપે છે અને તેમના નિધન બાદ આરએનસીને મોટું દાન મળતું ગયુ હતુ. જેમાં વલસાડના મુનશી પરિવાર તરફથી હોસ્પિટલને મોટું દાન મળ્યું હતુ. હોંગકોંગ સ્થાયી થયેલા વલસાડના અન્ય બે પારસી પરિવારે તેમના શેર હોંગકોંગ બેંકને આપી દીધા હતા, પરંતુ તેનું ડિવિડન્ડ તેમણે આરએનસી હોસ્પિટલને આપવાની શરત કરી હતી. આજે એ શેરનું વાર્ષિક રુ. ૩૫ લાખ જેટલું ડિવિડન્ડ હોસ્પિટલને મળી રહ્યું છે. જેના થકી આરએનસીનું જૂની ઢબનું બિલ્ડીંગ તોડીને નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતુ.
વલસાડની આરએનસી આઇ હોસ્પિટલ હાલ તમામ સુવિધાયુક્ત હોસ્પિટલ બની ગઇ છે. આગામી સમયમાં અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ શરુ થાય એવું આયોજન હાથ ધરાયું છે. અહીં આંખની કોલેજ શરુ થાય એવા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. ખરેખર ભગીરથ સેવા અર્થે કરેલ આ નાનું કાર્ય આજે વિરાટ વૃક્ષ બનીને લોકોના જીવનને પ્રકાશમય બનાવી રહ્યું છે. કોઈપણ જરુરીયાદમંદ લોકોને આ હોસ્પીટ્લનું સૂચન અવશ્યપણે કરવું જોઈએ.