સુરત : ગર્ભવતી મહીલા હોસ્પિટલ ના પહોંચી શકતા 108 ના કર્મીઓ એ રીક્ષા મા જ બાળક નો જન્મ કરાવ્યો ! સર્જાયા ફીલ્મી દૃશ્યો…જુઓ તસવીરો
કહેવાય છે ને કે, ક્યારે શું ઘટના બની જાય એ નક્કી ન કહેવાય. અત્યાર સુધી તમે માત્ર ફિલ્મોમાં જોયું હશે કે, બસમાં કે કાર અથવા કોઈ બીજી જગ્યા એ મહિલા બાળકને જન્મ આપતી હોય છે. હાલમાં જ આવો ફિલ્મી કિસ્સો હકીકતમાં બન્યો છે. સુરતમાં 108 એમ્બ્યુલન્સની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. ઓટોરિક્ષામાં ડિલિવરીના ચેકઅપ માટે જઈ રહેલી અડાજણની મહિલાને અધવચ્ચે જ પ્રસવ પીડા શરૂ થતાં 108ને કોલ કરી બોલવામાં આવી હતી.
પરિસ્થિતિ ગંભીર હોવાથી તાત્કાલિક જ 108ની ટીમે ઘટના સ્થળે આવી રસ્તા વચ્ચે જ રિક્ષાને કપડાંથી ઢાંકી મહિલાની પ્રસૂતિ કરાવી હતી. આ ડિલિવરીમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે. 108ની આ કામગીરીને પરિવારે બિરદાવી હતી.સુરતના અડાજણ ખાતે રહેતા અરવિંદભાઈ દેવીપૂજકની પત્ની ચકુબેન પતિ સાથે ડિલિવરીના ચેકઅપ માટે રિક્ષામાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પાલનપુર પાટિયા પાસે તેઓને પ્રસવ પીડા શરૂ થઇ હતી. મહિલાની હાલત જોઈ રિક્ષાચાલકે ક્ષણભરની પણ રાહ જોયા વિના 108ની ટીમને જાણ કરી હતી.
108ની ટીમને જાણ થતાં જ રાંદેર લોકેશનના ઈએમટી શબ્બીર બેલીમ અને પાઈલોટ તેજસભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા મહિલાને પ્રસૂતિ પહેલાંનું લોહી ખૂબ જ વહી ગયું હતું અને બાળકનું માથું દેખાતું હતું. જેથી તેઓએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના રિક્ષામાં જ ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું.
108માં રહેલ ડિલિવરી કીટનો ઉપયોગ કરી ઇએમટી શબ્બીરે આસપાસથી ચાદરો મંગાવી રિક્ષાની ફરતે ઓઢાડી દઈ રિક્ષાને સંપૂર્ણ રીતે કોર્ડન કરી હતી અને ત્યારબાદ તબીબી અધિકારીઓના માર્ગદર્શનમાં પ્રસૂતિ કરાવી હતી.મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલા અને બાળક બંને સ્વસ્થ છે. તેઓને સારવાર માટે રાંદેર હેલ્થ સેન્ટર લઇ જવાયાં હતાં.
. અને તેઓને આ પાંચમું સંતાન છે. 108ની આ કામગીરીને પરિવારે બિરદાવી હતી. સુરતના 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહિએ જણાવ્યું હતું કે દરેક 108 એમ્બ્યુલન્સમાં વિશેષ ઈમરજન્સી ડિલિવરી કિટ આપવામાં આવી છે. આનો સદુપયોગ કરવા માટેની ટ્રેનિંગ પણ દરેક ઈએમટીના કર્મચારીને આપવામાં આવી છે. હાલ જે મહિલાની રિક્ષામાં ડિલિવરી કરવાની ફરજ પડી તેમાં આ ઈમરજન્સી ખૂબ જ ઉપયોગી નીવડી છે. તે ઉપરાંત ઈએમટીના કર્મચારીઓને આપવામાં આવેલી ટ્રેનિંગ પણ ખરા અર્થમાં સાર્થક થઈ છે.