20 મહિનાની દિકરીએ 5 લોકોને આપ્યું જીવનદાનઃ અને પરિવાર અને દુનિયા છોડીને નિકળી ગઈ…
આપણાં ત્યાં દાન-પુણ્યનો મહિમાં ખૂબ ગવાયો છે. હિંદુ સનાતન ધર્મમાં દાનનું ખૂબ મહત્વનું હોય. અનેક પ્રકારના દાન આપણે સમય-સમય પર આપતા રહીએ છીએ. વર્તમાન સમયમાં અંગદાન કરવાનું મહત્વ ખૂબ વધી ગયું છે. જે કુટુંબે પોતાના સ્વજનને ગુમાવ્યા હોય તેમના અંગોનું દાન એ લોકો કરતા હોય છે. એમાં પણ ખાસ કરીને સુરત અંગદાન કરવામાં મોખરે છે.
પણ અહીંયા વાત દિલ્હીની છે. અહીંયા એક પરિવારે પોતાની ફૂલ જેવી દિકરી ગુમાવી. આ દિકરીએ તો હજી ધરતી પર આવ્યાને માંડ 20 મહિના થયા હતા અને આ દિકરી દુનિયા અને પોતાના પરિવારને છોડીને ચાલી ગઈ. પણ આ દિકરી અનેક લોકોને જીવન પણ આપતી ગઈ છે. દિકરીના પરિવારે પોતાની વ્હાલસોયી લાડકવાયીના અંગોનું દાન કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં 20 મહિનાની એક દિકરી રમતા-રમતા પહેલા માળેથી નીચે પડી ગઈ અને બેભાન થઈ ગઈ. તેના પરિજનો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં ફરજપર હાજર ડોક્ટરોએ ખૂબ પ્રયત્નો કર્યા પણ દિકરી ભાનમાં ન આવી. બાદમાં થોડા સમયમાં તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવી.
જો કે સૌથી મહત્વની વાત એ છે કે દિકરીના શરિરમાં તેના મગજ સિવાય શરિરના બધા જ અંગો કામ કરતા હતા. ત્યારે માતા પિતાને દિકરીના અંગો દાન કરવાનો વિચાર આવ્યો અને પરિણામે પરિવારે પોતાની લાડકડીના હ્યદય, લિવર અને બંન્ને કિડની તેમજ કોર્નિયાનું દાન કર્યું હતુ. આ તમામ અંગો અન્ય રોગીઓને પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.
માત્ર 20 જ મહિના આ ફાની દુનિયામાં રહેલી એક ફૂલ જેવી દિકરીએ 5 જેટલા લોકોને જીવનદાન આપ્યું હતું. હવે આ દિકરી તો ધરતી પર નથી રહી પરંતુ તે અનેક લોકોના હ્યદયમાં ચોક્કસપણે જીવતી રહેશે.
ભારતમાં પ્રથમવાર એવું બન્યું છે કે, જ્યારે માત્ર 20 મહિનાની દિકરીના અંગોનું દાન કરવામાં આવ્યું હોય. દિકરીના પિતાએ જણાવ્યું કે, અમે હોસ્પિટલમાં એવા દર્દીઓ જોયા કે જેમને અંગોની ખૂબ જરૂર હતી. હવે અમે તો અમારી પુત્રી ગુમાવી જ ચૂક્યા હતા પરંતુ અમને એમ થયું કે, બીજા સંતાનોને જીવનદાન મળે એવું કંઈક કરીએ, અને પરિણામે અમે અમારી દિકરીના અંગોનું દાન કર્યું.