ગોંડલ ચોકડી પાસે વિચિત્ર અકસ્માત મા માસુમ બાળકનું નાના-નાનીની નજર સામે જ મોત થયું ! આહીર પરીવાર મા…
આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક રોડ અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. હાલમાં જ એક ખૂબ જ કરુણ દાયક બનાવ આહીર પરિવાર સાથે બન્યો છે. આ ઘટના ગોંડલ ચોકડી પાસે બની છે. મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ગોંડલ ચોકડી પાસે વધું એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. સૌથી દુઃખદ વાત એ છે કે નાના અને નાની સાથે રોડ ક્રોસ કરતાં સાત વર્ષના બાળકને અજાણ્યાં બાઇક ચાલકે હડફેટે ચડાવતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ દુઃખદ ઘટનામાં નાના અને નાનીને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પી.એસ.આઈ. પરમાર અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા બાઈકચાલક પણ અકસ્માત સર્જયા બાદ રોડ પર પટકાયો હતો અને તેને પણ શરીરે ઈજા પહોંચતા સારવારમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હોવાનું ખુલ્યુ હતું. જે અંગે બાઈક ચાલક સામે ગુનો નોંધવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો રાજકોટના ગોંડલ રોડ બાયપાસ પાસે આવેલ ગણેશ સોસાયટીમાં રહેતાં હાજાભાઈ માંડણભાઈ જીલરીયા તેમના પત્ની જયાબેન અને તેનો દોહીત્ર રોનક દિપક કાનગડ સાથે ગતરાત્રે 9 વાગ્યાની આસપાસ ગોંડલ ચોકડી પાસે આવેલ રાધા મીરા હોટલ સામે રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે પુરપાટ ઝડપે આવેલ અજાણ્યાં બાઇક ચાલકે હડફેટે લેતાં ત્રણેય રોડ પર પટકાતા સાત વર્ષના રોનકને જીવ ગુમાવ્યો.
જ્યારે હાજાભાઈ અને તેમના પત્ની જયાબેનને શરીરે ઇજા પહોંચી હતી અને હાલમાં બંને હોસ્પિટલમાં દાખલ છે. પરિવાર દ્વારા જાણવા મળ્યું છે કે, હાજાભાઈ તેના પત્ની અને દોહીત્ર સાથે મેંદરડા ગયાં હતાં અને રાત્રે પરત ફરતી વખતે આ બનાવ બન્યો. મૃતક રોનકના પિતા દીપકભાઈ પેથાભાઈ ધોરાજીના છાડવાવદર ગામે રહે છે અને ખેતી કામ કરે છે. રોનક તેના નાનાના ઘરે રહી એચ.કે.જી.માં અભ્યાસ કરતો હતો.તેમજ તે બે ભાઈમાં મોટો હતો જેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમજ ઇજાગ્રસ્ત હાજાભાઈ ડ્રાઇવિંગ કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર બે પુત્રી છે. આ દુઃખદ બનાવને લીધે આહીર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.