સુરત : વણાટકામ કરતા 33 વર્ષના યુવકનું હ્દયનું દાન કરવામાં આવ્યું! ચેન્નઈનાં વ્યક્તિને…
સુરત શહેર એટલે અંગદાનનું સૌથી મહત્વનું નગર! અંગદાનની સૌથી શ્રેષ્ઠ દાન છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. સુરત શહેરમાં અનેક વખત અંગદાનની ઘટના બને છે. ત્યારે હાલમાં જ ઓડિશાના વતની અને સાયણમાં વણાટ ખાતામાં કામ કરતા બ્રેઈનડેડ સુશીલ રામચંદ્ર સાહુ ઉ.વ. 33ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.
સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટથી ચેન્નઈનું 1610 કિ.મીનું અંતર 221 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં ચેન્નઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. હૃદય સમયસર હવાઈ માર્ગે ચેન્નઈ તેમજ કિડની અને લિવર રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ અને રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યા હતા. .
ઓડિશાના ગંજામ જિલ્લાના અલાડી ગામનો રહેવાસી સુશીલ સાયણમાં આવેલ સાંઈ સિલ્ક નામના વણાટ ખાતામાં કામ કરતો હતો. ગત 26મી જાન્યુઆરીના રોજ બ્લડપ્રેસર વધી જવાને કારણે તે બેભાન થઇ જતા તાત્કાલિક સાયણ જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
પરિવારે વણાટખાતામાં કામ કરીને અમારા પરિવારનું ભરણ-પોષણ કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ-વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. અમારો ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ દાન કોઈ હોઈ જ ના શકે. ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે હૃદય પર પત્થર મુકીને તેઓએ પોતાના ભાઈના અંગદાન કરવા માટેની સંમતિ આપી હતી.
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 52 અને 53 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. મુંબઈમાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ જે દર્દીમાં કરવાનું હતું તે દર્દીનો કોવિડનો RTPCRનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફેફસાંનું દાન થઇ શક્યું ન હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ચાલીસ હૃદયના દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.