Gujarat

એક એવું ગામ જયાં માત્ર એક અટકના લોકો જ રહે છે, આ કારણે બીજા લોકો રહી નથી શકતા.

ગુજરાતમાં અનેક ગામડાઓ આવેલા છે, જે પોતાની અલગ જ વાસ્તવિકતામાં તરી આવે છે. દરેક ગામ સાથે પોતાનો એક ઇતિહાસ જોડાયેલ હોય છે. ત્યારે આજે આપણે એક એવા ગામ વિશે વાત કરીશું. જ્યાં દરેક વ્યક્તિની માત્ર એક જ અટક એટલે કે આ ગામમાં એક જ અટક નાં લોકો રહે છે. આ ગામ ક્યાં આવેલું છે અને આ ગામનો ઇતિહાસ શું છે તેમજ ગામ સાથે જોડાયેલ તમામ રસપ્રદ વાતો અમે આપને જણાવીશું.

સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમ થી આજે અનેક શહેરો અને ગામડાઓનાં કિસ્સા અને તેની સાથે જોડયેલ અનેક તથ્યો વિશે જાણવા મળે છે, ત્યારે હાલમાં એક ગુજરાતનું ગામ ચર્ચામાં આવ્યું છે. ત્યારે ચાલો આ ગામ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ કે આખરે ક્યાં કારણોસર આ ગામ ચર્ચાનું વિષય બન્યું છે. વાંકાનેર તાલુકાનું બોકડથંભા ગામ કે જ્યાં ગામની વસ્તી અંદાજિત ૭૦૦ લોકો રહે છે. આ ગામના મોટાભાગના ઘરો નળિયાવાળા જુનવાણી છે અને ગ્રામ્ય લોકોનું જીવન સીધું અને સાદું છે.

ગામનું આ જીવન જ ગામની સાચી ઓળખ છે.આ ગામની એક ખાસ વાત એ કે અહીંયા કયારેય પોલીસ કેસ થયેલ નથી બધા ગ્રામજનો એકસંપ રાખી હળીમળીને રહે છે. સૌથી મોટી વિશેષની બાબત એ છે કે આ ગામના બધા લોકોની સરનેમ સરાવાડીયા છે. જે ચુવાળીયા કોળીમાં આવે છે. આ ગામમાં સરાવાડીયા સિવાય અન્ય સરનેમ વાળા કોઈ લોકો રહેતાં નથી. ન રહેવા પાછળનું સ્પષ્ટ કારણ તો કાંઈ જાણવા ન મળ્યું પરંતુ ગ્રામજનોના કહેવા પ્રમાણે બીજા કોઈ વ્યક્તિ આ ગામમાં વસવાટ કરે તો તે લોકો સુખી નથી થતાં માટે ગામ છોડી જતા રહે છે.

આ સિવાય લોક વાયકાઓ પણ એવી જ છે કે, રાજાશાહીમાં તેમના વડવાઓ થાનગઢ નાં રહેવાસી હતા અને ત્યાંથી તેઓ પાજ ગામે વસવાટ કરી ખેતીવાડી કરતાં ત્યારબાદ તેઓ ત્યાંથી રાતાભેર ગયેલ પરંતુ ત્યાં તેઓને માફક નહીં આવતાં પાછા થાન જવાં રવાના થયેલ.આ ગામ ચુવારીયા કોળીના પાંચ ભાઈઓ નારણબાપા, સવાબાપા, હરીબાપા, મઘાબાપા અને ઉકાબાપાનો વસ્તાર છે. ગ્રામજનો મુખ્યત્વે ખેતી તેમજ છૂટક મજૂરી કરી તેના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. ગામમાં અન્ય કોઈ વ્યક્તિનું ન રહેવું એ બાબત અંધશ્રદ્ધા કહો કે વિશેષતા પરંતુ આ ગામમાં આ પાંચ ભાઈઓના વંશજો સિવાય અન્ય કોઈ રહી શકતું નથી.

બોકડથંભા ગામની પાછળના ભાગે પહેલાં એવું કહેવામાં આવતું કે તે મેલી જગ્યા છે અને કોઇ જતું નહીં ગામના જ ઘનશ્યામદાસ (ઘોઘા ભગત) એ ત્યાં રામમઢી આશ્રમ બનાવ્યો જ્યાં માતાજીનું મંદિર અને રામદેવપીરનું મંદિર છે. આશ્રમમાં ગૌશાળા અને ભોજનાલય પણ બનાવ્યું આશ્રમની અંદર એક ભોંયરું બનાવ્યું જ્યાં દરેક દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ઘોઘા ભગત દ્વારા આ આશ્રમ બનાવ્યા બાદ ગ્રામજનો ત્યાં પૂજન અર્ચન કરવા જાય છે. આ ગામ તેની પોતાની એક વિશિષ્ટ પરંપરા અને ઇતિહાસ મુજબ લોકપ્રિય અને ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!