ઉનાળામાં ખજૂરનું સેવન કરવું કેટલું ફાયદાકારક જાણો.
આમ તો ખજૂર આપણે બારેમાસ ઉપયોગમાં લેતાં હોઈએ છે પરંતુ શિયાળાના અને હોળી દરમિયાન ખજૂરનું સેવન વધુ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે,ખજૂર ક્ષય, વાયુ, ઊલટી વગેરે રોગો મટાડે છે. ખજૂર ઠંડું, રક્તવર્ધક છે એટલે જ ઉનાળામાં શરીરની ઠંડક વધારવા તેનું સેવન લાભદાયક છે.
ખજૂરમાં અનેક ગુણો રહેલા છે, જેમાં વજન વધારનાર, વીર્યવર્ધક, શરીરની આંતરિક ગરમી ઘટાડનાર તથા વાયુ અને પિત્તદોષમાં ઉપયોગી છે. ખજૂર ગરમ નથી પણ ઠંડું છે. એ અતિ પૌષ્ટિક, વીર્યવર્ધક, બળવર્ધક, મધુર, હૃદય માટે હિતકારી, રુચિ ઉત્પન્ન કરનાર, પચવામાં ભારે, પુષ્ટિ કરનાર ઝાડાને રોકનાર તથા બળ વધારનાર છે. ખજૂર રેચક પણ છે. રોજ રાત્રે પાંચ-સાત પેશી ખજૂર પલાળી સવારે બરાબર મસળીને તેને પીવાથી ઝાડો સાફ આવે છે.
શિયાળા દરમિયાન રોજ દસેક પેશી ખજૂર ખૂબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્કૂર્તિ આવે છે અને નવું લોહી પેદા થાય છે. ખજૂર શરીરને હૃષ્ટપુષ્ટ કરે છે. એ કામશક્તિ વધારનાર અને હૃદયને હિતકારી છે. વજન વધારવા માટે રોજ સવારે આઠ-દસ પેશી ખજૂર એક ગલાસ દૂધમાં ઉકાળી ઠંડુ પાડી દૂધ પી જવું અને ખજૂર ખૂબ ચાવીને ખાઈ જવું.
ફેફસામાં પડેલાં ચાંદાંમાં ખજુર ઉપયોગી સહાયક ઔષધ છે. એ હૃદય માટે પણ હિતાવહ છે. ખજુર ઠંડુ, તૃપ્તિ કરનાર, પચવામાં ભારે, રસમાં અને પચી ગયા પછી પણ મધુર અને રક્તપિત્તને જીતનાર છે. ખજુરમાં લોહતત્વ સારા પ્રમાણમાં છે, આથી લોહીની ઉણપમાં બહુ સારું છે. રોજ પાંચ ખજુર, પાંચ અંજીર અને વીસ મુનક્કા દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર પુષ્ટ થાય છે. ખજુર, મુનક્કા દ્રાક્ષ, સાકર, મધ અને ઘી સરખા વજને લઈ ખૂબ ખાંડી સોપારી જેવડી લાડુડી બનાવી રોજ બેથી ત્રણ ખૂબ ચાવીને ખાવી. એનાથી શરીર પુષ્ટ થાય છે. એ ખાંસી, દમ, ક્ષય, એનેમિયા, સુકારો વગેરેમાં ઉપપયોગી છે. ખજુરનો આસવ ખજુરાસવ સંગ્રહણીમાં ખૂબ ઉપયોગી છે. ખજુર અને મધ ખાવાથી રક્તપિત્ત મટે છે.