બાબા સાહેબની ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાત થી આ મોટી ઘટના ઘટી!
આપણા ભારતને લોકશાહીનું બ્રહ્માસ્ત્ર રૂપી સંવિધાનની ભેટ આપનાર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જ્યંતી છે. આજે આપણે તેમના જીવનની ગાંધીજી સાથેની પહેલી મુલાકાત વિશેની ઘટના વિશે જાણીશું. આપણે સૌ જાણીએ છે કે બાબા સાહેબભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી.
તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન થી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા. તેમના જીવનના અનેક પ્રસંગો છે, પરતું આજે આપણે ગાંધીજી સાથેની પહેલી મુલાકાત વિશે જાણીશું.
આ વાત છે. તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને ગાંધીજી ની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.
ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાજ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું.
આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો.