મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતાઃ મારા દિકરાના કોઈ લગ્ન નથી, આ Fake News છે…
6 એપ્રિલના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના કુલ 20 શહેરોમાં રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરી. હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી કે, ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુ ઘેરુ બની રહ્યું હોવાથી વિકેન્ડનું લોકડાઉન કે અન્ય કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે જેથી કોરોનાની ચેઈનને તોડી શકાય.
ત્યાર બાદથી લોકોમાં એવી અટકળો વહેતી થઈ હતી કે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે. 6 તારીખે રાત્રે મુખ્યમંત્રીએ માત્ર રાજ્યના 20 શહેરોમાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરી હતી. આ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સમાચારો વહેતા થયા હતા કે, મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન હોવાથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી. આ મેસેજ સોશિયલ મીડિયા દ્વારા આખા રાજ્યમાં ફેલાયા હતા.
મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે
— Vijay Rupani (@vijayrupanibjp) April 7, 2021
ત્યારે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્પષ્ટતા કરતું એક ટ્વીટ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ખુલાસો કરતા લખ્યું છે કે, આ ખોટા સમાચાર છે અને આ પ્રકારની કોઈપણ વાતો પર ધ્યાન આપવું નહી. ફેક ન્યુઝ ફેલાવતા લોકોએ મુખ્યમંત્રીના પરિવારને પણ ન છોડ્યો.
મુખ્યમંત્રી કહ્યું કે, આ ફેક ન્યુઝ છે અને મારા દિકરાના કોઈ લગ્ન નથી. સીએમ વિજય રૂપાણીએ ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે, ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.
મહત્વનું છે કે, અત્યારે લોકોને એક નવી કુટેવ પડી છે, કે જે ન્યુઝ સોશિયલ મીડિયા પર આવે તેને સીધા જ ફોરવર્ડ કરી છે. પરંતુ ક્યારેય કોઈપણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આવતા ન્યુઝને સીધા જ ફોરવર્ડ ન કરવા. પહેલા તેની ખરાઈ કરવી કે તે સાચા છે કે ખોટા અને જો સાચા હોય તો જ ફોરવર્ડ કરવા.